ખંભાળિયામાં વિદેશી દારૂના તોતિંગ છતાં સાથે ઝડપાયેલો શખ્સ આઠ દિવસના રિમાન્ડ પર

જામ ખંભાળિયા : ખંભાળિયા-ભાણવડ માર્ગ પર સ્થાનિક પોલીસે વિદેશી દારૂ અંગેની કાર્યવાહી કરી, આ સ્થળેથી જામજોધપુર તાલુકાના રહીશ એવા પ્રફુલ પરસોતમ સીતાપરા નામના 53 વર્ષીય આધેડની અટકાયત કરી, રૂપિયા 11.17 લાખની કિંમતના પરપ્રાંતિય શરાબ તથા રૂ. એક લાખની કિંમતના બિયરનો તોતિંગ કબજે કર્યો હતો.

ટેમ્પો, મોટરકાર, રોકડ રકમ, મોબાઈલ તથા વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 32.54 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા પ્રફુલ સીતાપરાને આજરોજ સાંજે અહીંના તપાસનીસ પી.એસ.આઈ. ગોઢાણિયા દ્વારા અહીંની અદાલતમાં રજૂ કરી, ગોવાથી મંગાવવામાં આવેલ આ દારૂના જથ્થાના આ પ્રકરણ સંદર્ભે સંડોવાયેલા બીજા શખ્સો તેમજ અન્ય બાબતે માહિતી મેળવવાના મુદ્દે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેથી નામદાર અદાલતે આરોપીના આગામી તારીખ 27 મી સુધીના આઠ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

આ વચ્ચે ઉલ્લેખનીય છે કે એલસીબી દ્વારા ગઈકાલે ઝડપાયેલા દારૂ પ્રકરણમાં પણ ઉપરોક્ત શખ્સનું નામ ખુલવા પામ્યું છે.

એલસીબી દ્વારા ઝડપાયેલા બુટલેગરો પણ રિમાન્ડ પર

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ગઈકાલે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા જામજોધપુરના યુનુસ રાવકરડા નામના શખ્સને અહીંની અદાલતમાં રજૂ કરી, વિવિધ મુદ્દે સાત દિવસના રિમાન્ડની માંગણી કરતા અદાલતે તારીખ 24 મી સુધીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે ખંભાળિયા તાલુકાના કેશોદ ગામેથી ઝડપાયેલા દિલીપસંગ મોહબ્બતસંગ કેરના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

રિમાન્ડ દરમિયાન અન્ય કેટલીક મહત્વની બાબતો પર પ્રકાશ પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.