દ્વારકા જિલ્લામાં વિદેશી દારૂ અંગે વ્યાપક દરોડા જારી: ભાણવડમાં વધુ 76 બોટલ સાથે એક ઝબ્બે

બે દિવસમાં રૂપિયા લાખોના દારૂ સાથે ઝડપાયેલા બુટલેગરો રિમાન્ડ પર

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા ભાણવડ પંથકમાં પોલીસની જુદી-જુદી ટીમ દ્વારા વિદેશી દારૂના અવિરત દરોડા પાડી, મોટા પાયે વિદેશી દારૂ જથ્થાને ઝડપી લેવા નોંધપાત્ર સફળતા મળી છે. જિલ્લાના નવનિયુક્ત પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ એલ.સી.બી. પોલીસ તથા ખંભાળિયા અને ભાણવડ પોલીસની ટીમ દ્વારા છેલ્લા બે દિવસના સમયગાળામાં જુદા-જુદા સ્થળોએથી વિદેશી દારૂની રૂપિયા 39.42 લાખની કિંમતની 3980 બોટલ દારૂ તથા 1080 ટીન બિયરનો જથ્થો સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં નોંધપાત્ર સફળતા સાંપડી છે.

ખંભાળિયા ભાણવડ માર્ગ પરથી ગુરુવારે સાંજે રૂપિયા સવા બાર લાખની કિંમતના દારૂ-બીયર ઝડપાયા બાદ ખંભાળિયા તાલુકાના કેશોદ અને ભાણવડ પંથકમાંથી વધુ રૂપિયા 5.11 લાખના દારૂના જથ્થા સાથે કુલ ત્રણ શખ્સોને ઝડપી લઈ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. આ પછી ભાણવડના પી.એસ.આઈ. એન.એચ. જોશી તથા સ્ટાફ દ્વારા મોડી રાત્રીના સમયે દરોડો પાડી, ભાણવડના સોરઠીયાવાસ વિસ્તારમાં રહેતા જીતુ આલા વાઘેલા નામના 42 વર્ષીય શખ્સ દ્વારા છુપાવીને રાખવામાં આવેલી રૂ. 31,800ની કિંમતની 76 બોટલ વિદેશી દારૂ ઉપરાંત રૂપિયા પાંચ લાખની કિંમતની હ્યુન્ડાઈ મોટરકાર મળી કુલ 5,31,800 ના મુદ્દામાલ સાથે જીતુ આલા વાઘેલાની ધરપકડ કરી હતી.

આ પ્રકરણમાં પણ જામજોધપુરના પ્રફુલ ઉર્ફે ડપુ પરસોતમ પટેલ નામના શખ્સનું નામ જાહેર થયું છે. આથી પોલીસે જીતુ વાઘેલાને સ્થાનિક કોર્ટમાં રજૂ કરી, રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.