ભાણવડ 108 ના સ્ટાફની પ્રમાણિકતા: અકસ્માતગ્રસ્ત યુવાનનો કિંમતી મુદ્દામાલ પરિવારજનોને સોંપાયો

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આવેલા ઘુમલી રોડ પરના દૂધેશ્વર મંદિર આગળ એક મોટરસાયકલ સ્લીપ થતાં આ બાઇક પર જઇ રહેલા 40 વર્ષીય એક યુવાનને મોઢાના ભાગે ગંભીર રીતે ઈજાઓ થતાં આ અંગે ઈમરજન્સી 108 ને જાણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને ભાણવડ 108 માં ફરજ બજાવતા 108ના પાઈલટ ભરતભાઈ વાળા અને ઈ.એમ.ટી. મહેશભાઈ વાળા દ્વારા ઘવાયેલા યુવાનને તાકીદની સારવાર આપી, સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ દર્દી પાસે રહેલી રૂ. ત્રીસ હજારની રોકડ રકમ, એક એન્ડ્રોઇડ ફોન અને એક સાદો ફોન ઉપરાંત અન્ય કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ 108 ના પાઈલોટ ભરતભાઈ અને ઈ.એમ.ટી. મહેશભાઈ દ્વારા દર્દીના પુત્રને સુપ્રત કરી, પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.