ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં કૃષિ મંત્રીનું આગમન: ખેડૂતો સાથે મુલાકાત

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ ખાતે આજરોજ રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલએ ખાસ મુલાકાત લીધી હતી. ખંભાળિયાના મહત્વના માર્કેટિંગ યાર્ડમાં આવેલા ટેકાના ભાવે ચણા ખરીદ કેન્દ્રની મુલાકાત દરમિયાન કૃષિમંત્રી રાઘવજીભાઈએ ખેડૂતોને રૂબરૂ મળી, તેઓની સમસ્યા બાબત પૂછપરછ કરી હતી. જો કે અહીંના યાર્ડમાં સુચારુ વ્યવસ્થા સાથે ખરીદી પ્રક્રિયા ચાલતી હોય, અહીંની કામગીરી નિહાળી કૃષિમંત્રીએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આટલું જ નહીં, ટેકાના ભાવે આપવામાં આવતી જણસનું પેમેન્ટ પણ ખેડૂતોને સમયસર મળી જતું હોવાનું જાણવા મળ્યું હતું.

આ મુલાકાત દરમિયાન માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો અને ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન પી.એસ. જાડેજાએ તેમનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. આ બાબતના પ્રતિભાવ આપતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા 5.36 લાખ મેટ્રિક ટન ખરીદી માટેની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ રજીસ્ટ્રેશન મુજબ અનેક ખેડૂતો ટેકાના ભાવથી વંચિત રહી જતા હોય, રાજ્ય સરકારે વધુ 25 હજાર મેટ્રિક ટનની મંજૂરી આપી છે. રાજ્યના એક પણ ખેડૂત ટેકાના ભાવનો લાભ લેવાથી વંચિત રહી ન જાય તે માટે સરકાર કાર્યરત છે. અને તમામ કેન્દ્રો પર ટેકાના ભાવની ખરીદી પૂરજોશમાં ચાલી રહી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.