સુરજકરાડીના યુવાન છરી બતાવી અપમાનિત કરીને મારી નાખવાની ધમકી આપવા સબબ બે શખ્સો સામે ફરિયાદ

જામ ખંભાળિયા : ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા હરીશ લખુભાઈ મકવાણા નામના 26 વર્ષના અનુસૂચિત જાતિના યુવાનની દુકાને આવી, અગાઉ આરંભડા સીમ વિસ્તારમાં રહેતા મહિપત ઉર્ફે કાયડી અને દેવપરા ખાતે રહેતા સવાભા સાચલભા ભઠ્ઠડ નામના બે શખ્સો પૈસા આપ્યા વગર નાસ્તો કરી ગયા બાદ શનિવારે પુનઃ તેઓ વધુ પ્રમાણમાં નાસ્તો લેવા આવતા હરીશભાઈએ બંને શખ્સો પાસે પૈસા માંગતા તેઓએ ઉશ્કેરાઈને બિભત્સ ગાળો કાઢી, નાસ્તો લેવા માટે છરી બતાવી અને ઢીકાપાટુનો માર માર્યો હતો.

આટલું જ નહીં, હરીશને મહિપતભાએ માથામાં મારી, બંને દ્વારા જાહેરમાં અપમાનિત કરી, શર્ટ ફાડી નાખીને જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ હરેશભાઈ મકવાણાએ બંને શખ્સો સામે મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ 323, 387, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ ઉપરાંત એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપી એસ.એચ. સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.